એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્ર ભવનગરના ગ્રાહકો માટે અભિશાપ..!


વિકલાંગ ગ્રાહકો સાથે ઉદ્ધત વર્તન, સ્ટાફ ગેરહાજર, સર્વર ડાઉન – લોકો પરેશાન
ભવનગર શહેરના કાળાનાળા બ્રાંચ સામે આવેલી ગલીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ચાલતું ગ્રાહક સેવા કેન્દ્ર આજે ગ્રાહકો માટે અભીશાપ સાબીત થઈ રહ્યું છે.
ગ્રાહકો નાણા ઉપાડવા કે ડિપોઝિટ કરવા આવે ત્યારે તેમને કલાકો સુધી રાહ જોવી પડે છે. કેન્દ્રના સંચાલક ધનવાણી મહેશ રતનમલ લેટ લતીફી કરે છે અને સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ઉદ્ધતાઈથી વાત કરે છે. વિકલાંગ ગ્રાહકોને મદદરૂપ થવાના બહાના હેઠળ નાણાકીય ઉચાપત થવાની પણ રાવ ઉઠી છે.
સેવા કેન્દ્ર પર પહોંચેલા ગ્રાહકોને મોટાભાગે સ્ટાફ હાજર નથી મળતા, ઘણી વખત “સર્વર ડાઉન” બતાવી તેમને નિરાશ પાછા મોકલી દેવામાં આવે છે. પરિણામે ૫૦૦–૬૦૦ મીટર દૂરથી આવતા ગ્રાહકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડે છે.
ઈકબાલભાઈ હુસેનભાઈ સરમાળીએ જણાવ્યું કે, વિકલાંગ ગ્રાહકો માટે ટેલિફોનિક માહિતી મેળવવા ફોન કરતાં તેમને સામે થી તોછડી ભાષામાં અપમાનજનક જવાબ મળ્યો. બાદમાં તેમની પત્ની ઈરમબેન સરમાળી સેવા કેન્દ્ર પર રૂબરૂ પહોંચ્યા ત્યારે પણ તેમને ઉદ્ધતાઈભર્યું વર્તન સહન કરવું પડ્યું.
ગ્રાહકોનો આક્ષેપ છે કે આ સેવા કેન્દ્રનું હેતુ લોકોને સહાય કરવાનો હોવો જોઈએ, પરંતુ અહીં ગ્રાહકોનું અપમાન, તકલીફ અને હેરાનગતિ જ મળી રહી છે.
સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.