*અમેરિકાના ટેરિફની અસર: સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, 100 કર્મચારીઓને છૂટા કરાયા*


સુરત, (તા. 27 ઓગસ્ટ 2025): અમેરિકા દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા 50% ટેરિફની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ ટેરિફના અમલ બાદ, હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે અને કામકાજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે, કતારગામ વિસ્તારમાં આવેલી ક્રિશ ડીયામ ડાયમંડ નામની કંપનીએ તેના 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા કારીગરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.અમેરિકન ટેરિફ અને કામકાજમાં ઘટાડોક્રિશ ડીયામ ડાયમંડ કંપની મુખ્યત્વે વિદેશી, ખાસ કરીને અમેરિકન વેપારીઓ માટે હીરાનું કામ કરતી હતી. કંપનીના એક મેનેજરના જણાવ્યા મુજબ, અમેરિકાના નવા ટેરિફને કારણે ત્યાંથી આવતા ઓર્ડર અને કામમાં ભારે ઘટાડો થયો છે. પરિણામે, કંપનીએ તેની કાર્યરત શિફ્ટ ઘટાડવાની ફરજ પડી છે અને છેલ્લા ત્રણ દિવસમાં અલગ-અલગ વિભાગોમાંથી 100 જેટલા કારીગરોને કોઈપણ પૂર્વ સૂચના વિના એકાએક છૂટા કરી દીધા છે. આ નિર્ણયને સીધો અમેરિકાના ટેરિફ સાથે જોડવામાં આવી રહ્યો છે.કારીગરોમાં ભય અને આર્થિક ચિંતાછૂટા કરાયેલા કર્મચારીઓમાં રાજેશભાઈ વાસણીયા જેવા અનેક કારીગરોનો સમાવેશ થાય છે, જેઓ છેલ્લા 17 વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, “અમને સાંજે બોલાવીને કહેવામાં આવ્યું કે તમારો હિસાબ કરી દેવામાં આવશે અને તમને છૂટા કરવામાં આવ્યા છે. દિવાળી નજીક છે અને બાળકો પપ્પા કપડાં લઈ દેશે તેની રાહ જોતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘર કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે.”રત્ન કલાકાર યુનિયનના એક સભ્યએ જણાવ્યું કે આ પરિસ્થિતિમાં ઘર ચલાવવા માટે વ્યાજે પૈસા લેવાની ફરજ પડશે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા અન્ય કારીગરોમાં પણ રોજગાર ગુમાવવાનો ભય પેદા કર્યો છે.ડાયમંડ વર્કર યુનિયનની માંગ અને કાયદાકીય લડતની તૈયારીડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાંકે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તેમણે જણાવ્યું કે, “અમે અગાઉ પણ ચેતવણી આપી હતી કે ડાયમંડ ઉદ્યોગ પર ટેરિફ લાગુ થશે તો તેની ગંભીર અસર થશે અને આજે તે જોવા મળી રહી છે. ક્રિશ ડીયામ ડાયમંડ કંપની દ્વારા 100 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, અને શક્ય છે કે આગામી દિવસોમાં વધુ કારીગરોને છૂટા કરવામાં આવે.”યુનિયને માંગ કરી છે કે ક્રિશ ડીયામ ડાયમંડ કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે 10-15 વર્ષથી કામ કરતા અનુભવી કારીગરોને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. ભાવેશભાઈએ જણાવ્યું કે, યુનિયન આ મામલે કાયદાકીય લડત આપવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસરોને આ અંગે રજૂઆત કરશે. આ ઘટના ઉદ્યોગ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે, કારણ કે જો આ સ્થિતિ વધુ વકરશે તો હજારો પરિવારોની રોજી-રોટી પર અસર પડી શકે છે.રિપોર્ટ વિશાલ પટેલ 9377424645