દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન મંજુર..

વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો : સરકારી પક્ષની રિમાન્ડ અરજી નકારી, બચાવ પક્ષની દલીલોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો

વેરાવળ :ગિરસોમનાથ જિલ્લામાં ચર્ચામાં રહેલા દેવાયત ખવડ સહીતના 7 આરોપીઓને વેરાવળ નામદાર કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા દરેક આરોપીને રૂ. 15,000 ના બોન્ડ તથા સર્ટી ઉપર જામીન આપ્યા છે.માહિતી મુજબ, આરોપીઓને કસ્ટડીમાં રાખવા સરકારી પક્ષે 7 દિવસના રિમાન્ડ માટે દલીલો કરી હતી. સરકારી વકીલ દ્વારા ગુનાની ગંભીરતા, તપાસની આવશ્યકતા અને જાહેર શાંતિ જાળવવા માટે રિમાન્ડ જરૂરી હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું. પરંતુ બચાવ પક્ષના વકીલોએ સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાનો હવાલો આપી આરોપીઓ સામે પુરાવા પુરતા નથી તથા આરોપીઓને ન્યાયસંગત તક આપવી જરૂરી હોવાનું દલીલ કરી હતી.સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલી આ જામીન અરજીની સુનાવણી રાત્રિના 9.45 સુધી ચાલી હતી. અંતે કોર્ટએ સરકારી પક્ષની રિમાન્ડ અરજી નકારી કાઢતાં જામીન મંજુર કર્યા હતા.હાલ દેવાયત ખવડને અન્ય એક ગુનાના સંદર્ભે તાળાળા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ સામેની કાર્યવાહી અંગે આગળની તપાસ હાથ ધરી છે.આ ચુકાદા પછી જિલ્લામાં ભારે ચર્ચા છે, કારણ કે દેવાયત ખવડનું નામ અનેક ગંભીર ગુનાઓમાં જોડાયું છે. પોલીસે આરોપીઓને ફરીથી કડક કાનૂની ઘેરી લેવા માટે તૈયારી શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.