રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે !

દારૂ – જુગાર પછી હવે ડ્રગ્સ માફિયા બેફામ, પોલીસ–તંત્રની નિષ્ફળતા સામે આવી રહી છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે. દારૂની હેરાફેરી અને જુગારધામો પર હજી અંકુશ નથી રહ્યો ત્યારે હવે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે.
📍 યુટ્યુબ પરથી ડ્રગ્સ બનાવવાની રીત શીખી આરોપીઓએ ફ્લેટમાં MD ડ્રગ્સ બનાવ્યા
સુરતમાં ખાનગી ફ્લેટમાંથી જંગી ઝેરી કેમિકલ મેળવી ડ્રગ્સ બનાવતા મુનાફ કુરેશી અને કેતન રફાલિયા રંગેહાથ ઝડપાયા. સ્ટેટ મોનિટરીંગ સેલે આ મોટી કાર્યવાહી કરી હતી. આ આરોપીઓ સુરત, ભાવનગર, અમદાવાદથી લઈ રાજસ્થાન સુધીમાં ડ્રગ્સનું વિતરણ કરતા હતા.
📍 પોલીસ મથકે હુમલો – કુંખ્યાત બુટલેગરને છોડાવવા પોલીસ સ્ટેશન પર હુમલો.
કડોદરા GIDC પોલીસ મથકમાં કુંખ્યાત બુટલેગર ઈશ્વર વાસફોડાને છોડાવવા માટે શખ્સોએ પોલીસ સ્ટેશનમાં ઘુસી તોડફોડ કરી અને હાજર પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો. જ્યાં કાયદો જાળવવાનું સ્થાન જ સલામત નથી ત્યારે આમ નાગરિક કોનાં ભરોસે તે ચિંતાજનક છે.
📍 TC બની લાંચખોરી – ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો પાસેથી 200 થી 500 રૂપિયાની લાંચ વસૂલતા શખ્સને ACBએ રંગેહાથ પકડ્યો. પુછપરછમાં તેણે પોતે રતલામ (મ.પ્ર.)નો ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવ્યું.
📍 જેલનો સિપાહી જ ભક્ષક!
લાજપોર જેલનો સિપાહી રસીક ચૌધરી સોશિયલ મીડિયા પર યુવતી સાથે પરિચય કરી પોલીસ ક્વાર્ટરમાં બોલાવી બળાત્કાર કરી નાસી છૂટયો. તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવાના ચક્રો ગતિમાન થયા છે.
📍 કંબોડિયા ગેંગનો કાંડ – વૃદ્ધ ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ
અમદાવાદના વૃદ્ધ ડોક્ટરને 15 દિવસ ગોંધી રાખી આઠ કરોડ પડાવનાર કમ્બોડિયન ગેંગ ઝડપાયો. નકલી કોર્ટના દસ્તાવેજો બતાવી ધમકાવ્યા હોવાની કબૂલાત સામે આવી છે.
📍 રેશન કૌભાંડ – કરોડપતિઓએ ગરીબોનું અનાજ ગટક્યું
રાજકોટમાં ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. 86,385 માલેતુજાર લોકોએ ગરીબોના હક્કનું રેશનકાર્ડ બનાવી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ઉઠાવ્યું, જ્યારે તેઓ કરોડોની મિલકતના માલિક છે.
રાજ્યમાં એક પછી એક કૌભાંડ, ગુના અને ગુંડાઇની ઘટનાઓ તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષક બની જાય છે ત્યારે સામાન્ય જનતા કેટલી સુરક્ષિત?