સ્માર્ટ શહેરના નામે વિકાસ, પણ નખત્રાણાના બસ સ્ટેશનની હાલત ગંભીર

સૌચાલયોમાં દારૂની બોટલો, લેડીઝ ટોયલેટની બાજુમાં નશેડીઓનો અડ્ડો નાગરિકો નો ગુસ્સો ચરમ સીમાએ..

કચ્છ જિલ્લાનો નખત્રાણા શહેર “બીજો બારડોલી” તરીકે ઓળખાય છે. વિકાસના નામે રાજ્યભરમાં સ્માર્ટ મીટર, સ્માર્ટ પોલીસ સ્ટેશન, સ્માર્ટ બસ સ્ટેશન જેવા કામોની વાતો થાય છે, પરંતુ નખત્રાણા બસ સ્ટેશન અને વથાણ ચોક વિસ્તારની હકીકત જોવા મળી તો નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સૌચાલયમાં દારૂની બોટલોના ઢગલા છે!

નગરમાં જાહેર ઉપયોગ માટે માત્ર બે સૌચાલય છે – એક વથાણ ચોક પાસેનું, જે ફક્ત નામ પૂરતું ચાલે છે, અને બીજું એસ.ટી. બસ સ્ટેશનનું, જે તાજેતરમાં બહેનો માટે સગવડ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આ સૌચાલયોમાં દેશી દારૂની ખાલી પોટલીઓ, બોટલો નાં ઢગલા જોવા મળે છે જેના કારણે ચોંકાવનારી પરિસ્થિતિ ઊભી થઈ છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અહીં લુખ્ખાઓ અને નશેડીઓ નો અડ્ડો બની ગયો છે અને નશેડીઓ સૌચાલયમાં દારૂ પીવા જતા હોય છે. આ સૌચાલયની બાજુમાં જ લેડીઝ ટોયલેટ છે, જેને કારણે સ્કૂલ-કોલેજ જતી દીકરીઓ તથા બહેનોની સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.

બસ સ્ટેશનમાં નવરા લુખાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યોં છે..

સ્થાનિક નાગરિકો જણાવે છે કે અગાઉ પણ બસ સ્ટેશનમાં દારૂ ઢીચેલા નશેડીઓ પડેલા હોવાના ફોટા-વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. તેમ છતાં તંત્રે કડક પગલાં લીધા નથી. નવરા લુખાઓ અને નશેડીઓ બસ સ્ટેશન વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે, મોબાઈલ ચોરી,ઠેલા ની ઉઠાંતરી,પર્શની ચોરી જવા કિસ્સા વધી ગયા છે જેના કારણે મુસાફરો ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ અસુરક્ષિત અનુભવે છે.

જાગૃત નાગરિકોએ સ્પષ્ટ માગણી કરી છે :

સૌચાલય બહાર CCTV કેમેરા  તાત્કાલિક લગાડવામાં આવે.

પોલીસ દ્વારા બસ સ્ટેશન અને સૌચાલય વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે.

દારૂ પીધેલા લોકો પર કડક કાયદાકીય કાર્યવાહી થાય જેથી ગુનાહિત તત્વો પર પોલીસનો ડર રહે.

નાગરિકોનું કહેવું છે : “સ્માર્ટ સિટી કે સ્માર્ટ બસ સ્ટેશનની વાતો ત્યારે સાચી લાગે, જ્યારે અમારી બહેનો અને દીકરીઓ નિર્ભયતાથી સૌચાલય અને બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે. હાલ તો બસ સ્ટેશન નશેડીઓના અડ્ડા જેવું બની ગયું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *