**યુનિટી ગ્રુપના ઉપક્રમે ભાઠા ગામે નિઃશુલ્ક આંખ ચેક-અપ કેમ્પનું સફળ આયોજન : ૧૫૦ મજૂરોની આંખોની તપાસ, ૮૦ને ચશ્માં, ૧૮ને મોતિયાનું મફત ઓપરેશન**
સુરત, તા. ૪ : રામનગર સિન્ધી સમાજની જાણીતી સમાજસેવી સંસ્થા યુનિટી ગ્રુપે સમાજના નબળા અને ખેતમજૂર વર્ગ સુધી આરોગ્ય સેવા પહોંચાડવાના તેના સતત પ્રયાસોને વધુ વેગ આપતાં હજીરા રોડ પર આવેલા ભાઠા ગામે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલના સહયોગથી એક દિવસીય નિઃશુલ્ક આંખ ચેક-અપ કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કર્યું હતું.
આ કેમ્પમાં હોસ્પિટલની અનુભવી ડૉક્ટર ટીમે આધુનિક મશીનો દ્વારા કુલ ૧૫૦ ખેતમજૂર પુરુષો અને મહિલાઓની આંખોની વિગતવાર તપાસ કરી હતી. તપાસ દરમિયાન ૮૦ વ્યક્તિઓમાં નજરની કમજોરી જણાતાં તેમને તુરંત જ મફત ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતા. તો ૧૮ દર્દીઓમાં મોતિયાબિંદની સમસ્યા નિદાન થતાં તેમના ઓપરેશનની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ખાસ વાત એ છે કે આ ૧૮ મોતિયાબિંદના દર્દીઓનું શસ્ત્રક્રિયા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે અને તેનો તમામ ખર્ચ યુનિટી ગ્રુપ ઉઠાવશે.
યુનિટી ગ્રુપના સક્રિય સભ્ય શ્રી પવન હાસીજાનાએ જણાવ્યું હતું કે, “આવા કેમ્પ દ્વારા ગરીબ અને મજૂર વર્ગના લોકોને સમયસર આંખની સારવાર મળી રહે અને તેઓ અંધત્વથી બચી શકે તે જ અમારો હેતુ છે. આગામી દિવસોમાં પણ આવા અનેક આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવાની અમારી પૂરી તૈયારી છે.”
આ કેમ્પનું આયોજન યુનિટી ગ્રુપના તમામ સભ્યોના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું હતું અને સ્થાનિક લોકો તેમજ દર્દીઓએ યુનિટી ગ્રુપ તથા હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
યુનિટી ગ્રુપ આવનારા સમયમાં પણ આરોગ્ય, શિક્ષણ અને માનવ સેવાના વિવિધ કાર્યક્રમો દ્વારા સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ ચાલુ રાખશે.
વધુ માહિતી માટે સંપર્ક :
શ્રી પવન હાસીજા (યુનિટી ગ્રુપ)
રિપોર્ટ : વિશાલ પટેલ – ૯૩૭૭૪૨૪૬૪૫
— યુનિટી ગ્રુપ, રામનગર સિન્ધી સમાજ, સુરત

