સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે ઓલપાડ તાલુકાનાં 11 પ્રાથમિક શિક્ષક ભાઈ-બહેનો પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત થયા

           રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર 'પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર' આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.   
           આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ એક શિક્ષકની પસંદગી કરવાની હોય છે. જે અંતર્ગત 2024/25 નાં વર્ષ માટે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર દીઠ એક પ્રતિભાશાળી શિક્ષકની યાદી જાહેર થઈ હતી જે આ મુજબ છે. 1. ગિરીશ પટેલ (ભગવા પ્રા. શાળા), 2. મૃણાલિની પટેલ (કીમ પ્રા. શાળા), 3. કનૈયાલાલ પટેલ (લવાછા પ્રા. શાળા), 4. મહેન્દ્રસિંહ ઠાકોર (બલકસ પ્રા. શાળા), 5. કાંતિલાલ પટેલ (વડોલી પ્રા. શાળા), 6. અંકિતા પટેલ (ઓલપાડ મુખ્ય પ્રા. શાળા), 7. ધર્મિષ્ઠા પટેલ (તેનાનીરાંગ પ્રા. શાળા), 8. નિકુંજ પટેલ (રાજનગર પ્રા. શાળા), 9. ઈન્દુ પટેલ (વડોદ પ્રા. શાળા), 10. અનિતા સિંધી (સાયણ પ્રા. શાળા), 11. પ્રદીપસિંહ સોલંકી (વિહારા પ્રા. શાળા)
              ગુણાંકન માળખા અનુસાર પસંદગી પામેલ શિક્ષકોને તેનાનીરાંગ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં શુભ અવસરે ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, મામલતદાર એચ.ડી.ચોપડા તથા તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી સહિતનાં મહાનુભવોનાં હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તમામ શિક્ષક ભાઈ-બહેનોને બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય જરગલિયા તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *