*જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત*

જામનગરના નાઘેડી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના બની છે. રવિવારે, રામેશ્વર નગરના રહેવાસી પ્રજાપતિ કુંભાર પરિવારના ત્રણ સભ્યોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયા છે. મૃતકોમાં ૩૬ વર્ષીય પિતા પ્રિતેશ દિનેશભાઈ રાવલ અને તેમના બે પુત્રો – ૧૬ વર્ષીય સંજય પ્રિતેશ રાવલ અને ૪ વર્ષીય અંશ પ્રિતેશ રાવલ – નો સમાવેશ થાય છે.આ દુર્ઘટના નાઘેડી વિસ્તારમાં આવેલ લહેર તળાવના પાછળના ભાગે બની હતી. પ્રિતેશભાઈ તેમના બે પુત્રો સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગયા હતા. વિસર્જન દરમિયાન, તેઓ અજાણતા તળાવના ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે જામનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.આ કરુણ ઘટનાથી સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર પાણીમાં ગણેશ વિસર્જન કરતી વખતે રાખવાની સાવચેતી અને સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. સ્થાનિક પ્રશાસન અને તંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, લોકો ઘણીવાર નદીઓ અને તળાવોમાં વિસર્જન કરવાનો આગ્રહ રાખે છે, જે ક્યારેક આવા જીવલેણ અકસ્માતોનું કારણ બને છે. આ દુર્ઘટનાથી સમગ્ર પરિવારે તેમનો આધાર ગુમાવ્યો છે.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645