રાંદેરમાં કચરા ગાડી ના અભાવે લોકોને રોગચાળાનો ખતરો

સુરત મહાનગરપાલિકા રાંદેર વિસ્તારના નાગરિકો પર બેજવાબદાર તંત્રના કારણે રોગચાળો મંડરાવતો ખતરો સર્જાયો છે. નાના બજાર શાકભાજી માર્કેટ, નથ્થેઘાન સ્ટ્રીટ સહિત આસપાસના વિસ્તારોમાં કચરાના ઢગલાઓ હવે આપત્તિ સમાન બની ગયા છે. છેલ્લા કેટલાય દિવસોથી કચરા ઉઠાનાર ગાડી આ વિસ્તારમા આવતી જ નથી.
સ્થાનિક નાગરિકો દ્વારા અનેકવાર પાલિકા કચેરી ખાતે આવેદનપત્ર અને લેખીત રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. આ બેદરકારી તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
વરસાદી માહોલ અને પાણી ભરાવા વચ્ચે કચરો સડી રહ્યો છે, જેના કારણે માખી,મચ્છરનો ઉપદ્રવ નોંધપાત્ર રીતે વધી ગયો છે. તાવ,ખાંસી, શરદી અને અસહ્ય દુર્ગંધ ને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તંત્રની નિષ્ક્રિયતાથી રાંદેર વિસ્તારનાં લોકો રોગચાળાની કાગારે આવી ગયા છે.
સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે અને તેઓ હવે તાત્કાલિક પગલાંની માંગ સાથે આકરાં મુડમાં છે. “હવે બધું સહન કરવાની હદ ઓળંગાઈ ગઈ છે, તંત્ર જવાબદારી લે કે પછી લોકો રસ્તા પર ઉતરી પડશે,” આવું નારાજ નાગરિકોએ ચિમકીરૂપ નિવેદનમાં જણાવ્યું છે.
જોકે, સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. હવે જોવાનું એ રહ્યું કે લોકરોષનો કેટલો દબાણ તંત્રને કામગીરી માટે મજબૂર કરે છે!