*સુરતમાં નકલી વિઝાની ફેક્ટરી ઝડપાઈ, એક આરોપી ઝડપાયો*

સુરત, 02/09/2025
સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ, સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચ (PCB) અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં યુકે, કેનેડા, અને યુરોપના વિવિધ દેશોના નકલી વિઝા બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે, અડાજણ વિસ્તારમાં એક ફ્લેટમાં ચાલતા આ રેકેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પ્રતિક શાહ નામના આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને અન્ય યુરોપિયન દેશોના નકલી વિઝાના સ્ટીકરો અને અન્ય સંબંધિત સાધનો મળી આવ્યા છે.પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં કાર્યરત એજન્ટોને વેચતો હતો. આ કૌભાંડનો હેતુ વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને છેતરીને ગેરકાયદેસર રીતે નાણા કમાવવાનો હતો.આ મામલે પોલીસે આરોપી પ્રતિક શાહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે વિદેશ જવા માટેના દસ્તાવેજો માટે અધિકૃત એજન્સીઓનો જ સંપર્ક કરે અને આવા નકલી કૌભાંડોથી સાવચેત રહે.
રિપોર્ટ વિશાલ પટેલ 9377424645