*રાપરમાં આખલાનો આતંક: બે યુવકો ઘાયલ, આમ આદમી પાર્ટીએ નગરપાલિકાની નિષ્ફળતા પર સવાલો ઉઠાવ્યા*

રાપર નગરપાલિકાના કચરા રિસાયકલ પ્લાન્ટ નજીક રખડતા ઢોરોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. રાપર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એડવોકેટ સુરેશભાઈ મકવાણા દ્વારા મળેલી માહિતી અનુસાર, બે દિવસ પહેલા રવેચી માતાજીના મેળામાંથી પરત ફરી રહેલા બે બાઈક સવાર યુવકો, મનીષભાઈ વીરભાણભાઈ કોળી અને રણમલ હસમુખ કોળી, એક આખલા દ્વારા ગંભીર રીતે અડફેટે લેવાયા હતા. આ ઘટનામાં તેમને મગજમાં નાનો હેમરેજ અને અસ્થિભંગ જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે.આ ઘટના પછી તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને રાપર CHC હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેમને ભુજની કે. કે. પટેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રને રખડતા ઢોરોના આતંક અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ ઘટના એ જ સ્થળે બની છે, જ્યાં અગાઉ રાપરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એચ.બી. વાઘેલા પણ રખડતા ઢોરનો શિકાર બની ચૂક્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ બે યુવકો સિવાય પણ રાપર શહેરમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા લોકો રખડતા ઢોરોનો ભોગ બની પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.સ્થાનિક નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ નગરપાલિકાના બેદરકાર વલણ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જો તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આવા વધુ અકસ્માતો થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *