*ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ એલર્ટ, રાજ્યના ૩૭૯ રસ્તા બંધ ૬ સપ્ટેમ્બર*

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસ પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (૭ સપ્ટેમ્બર) રાજ્યના પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, અને નાગરિકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
૭ સપ્ટેમ્બર (રવિવાર) માટે આગાહી:

  • રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ): કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી.
  • ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ): પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર, રાજકોટ, અને અમદાવાદ.
  • યલો એલર્ટ (ભારે વરસાદ): જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ.
    વર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્યના ૩૭૯ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
    ૮ સપ્ટેમ્બર માટે આગાહી:
    આગામી સોમવારે (૮ સપ્ટેમ્બર) પણ રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.
    જનતાને અપીલ:
    સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સલામતી માટે બહાર નીકળવાનું ટાળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને જરૂરી જણાય તો જ મુસાફરી કરવા વિનંતી કરવામાં આવી છે. સંભવિત જોખમોને ટાળવા માટે સરકાર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે. કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરવો.
    રિપોર્ટ વિશાલ પટેલ 9377424645

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *