કાયદાનાં રક્ષકોની ઐસીતૈસી – રાપર પોલીસ જ તોડી રહી છે કાળો કાચ અને ફેન્સી નંબર પ્લેટ પરનો કાયદો..

કાયદાનાં રક્ષકોની ઐસીતૈસી – રાપર પોલીસ જ તોડી રહી છે કાળો કાચ અને ફેન્સી નંબર પ્લેટ પરનો કાયદો..

દેશભરમાં કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ દૂર કરવા એક તરફ અવરનેશ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, સામાન્ય નાગરિકોને ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે કચ્છના રાપરમાં જ કાયદાનાં રક્ષકો પોતાની મનમાની કરીને કાયદાની ઐસીતૈસી કરતા જોવા મળી રહ્યા છે.

રાપરના પી.આઈ. સહીત પોલીસ સ્ટેશન અધિકારીઓ જ જાણી જોઈને પ્રતિબંધિત કાળા કાચ લગાવેલી કારોમાં સવારી કરી રહ્યાં છે. પોલીસ સ્ટેશનના પરિસરમાં જ આવી કારો પાર્ક થયેલી જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે – શું આ કારો પી.આઈ.ની જ છે? કે પછી ઉચ્ચ વહીવટદારની છત્રછાયા હેઠળ ગેરકાયદેસર રીતે ચાલતી રહી છે?

સામાન્ય નાગરિક પોતાની ગાડી પર કાળો કાચ લગાવે તો તેને કાયદાની દફા બતાવી તુરંત જ દંડ ફટકારાય છે. પરંતુ કાયદાના જ અમલદારો પોતાની કાર પર પ્રતિબંધિત કાચ લગાવી ફરતા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. શું કાયદો ફક્ત સામાન્ય પ્રજાજનો માટે જ છે? કાયદો તોડનાર પોલીસ અધિકારીઓ માટે કાયદો નથી?

આખા રાપરમાં ટ્રાફિક નિયંત્રણના જવાબદાર અધિકારીઓ સામે જ કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ગાડીઓ ભરચક્ક વિસ્તારમા ફરતી જોવા મળે છે, છતાં તેઓ આંખે પાટા બાંધી ફરજ બજાવતા હોય એવું લાગી રહ્યું છે.

નાગરિકોમાં ભારે રોષ છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં જ કાયદાનો ભંગ થતો હોય, ત્યારે પોલીસ અન્ય લોકો સામે કાયદો અમલમાં મૂકવાની નૈતિકતા ક્યાંથી લાવે? કાયદાનો ઉપહાસ અને પોલીસની ઐસીતૈસીનો આ જીવંત દાખલો રાપર તંત્ર પર સીધી શરમજનક છાપ મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *