બાળકોમાં ગણિત સાથે ગાણિતિક વિચારસરણીનું સિંચન કરવા ઓલપાડ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા

           NEP 2020 (4.25) અનુસાર ભવિષ્યમાં ઘણાં બધા ક્ષેત્રો તેમજ વ્યવસાયોમાં ભારતની નેતૃત્વની ભૂમિકા માટે ગણિત અને ગાણિતિક વિચારસરણી અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાની છે. પાયાનાં તબક્કાથી ગણિત શિક્ષણ પર ભાર આપવો તેમજ તેને રસપ્રદ બનાવવું જરૂરી બને છે ત્યારે ભવિષ્યમાં આવનારા નવા ટેકનોલોજી આધારિત વિષયાંગને સરળતાથી સમજી ઉપયોગમાં લઈ શકાય એવાં મૂળભૂત હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં ગણિત વિષય લેતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત આ ત્રિદિવસીય તાલીમ વર્ગમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહીને ગણિત વિષયનાં ધ્યેયો સહિત વિવિધ પેડાગોજી પર પ્રકાશ પાડ્યો હતો.     
           સદર તાલીમ વર્ગનાં  તજજ્ઞો એવાં શીતલ મહીડા (પારડીઝાંખરી), નિકીતા રાઠોડ (કુડસદ), યાનિકા પટેલ (ઈશનપોર), ધર્મિષ્ઠા પટેલ (અટોદરા), વિરલ પટેલ (સાયણ) તથા રજની પટેલે (સાયણ સુ.ફે.) તાલીમ મોડ્યુલમાં સમાવિષ્ટ બાબતોને વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેકટ, જૂથ કાર્ય વિગેરે થકી તાલીમાર્થીઓને વૈવિધ્યસભર ગાણિતિક ભાથુ પૂરૂ પાડ્યું હતું. તાલીમ વર્ગનાં સંચાલક તથા સહસંચાલક અનુક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં સંશોધન સહાયક ચેતન મહેતા અને ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળાનાં આચાર્ય કૈલાશ વરાછીયાએ જરૂરિયાત મુજબની વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *