અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાના શરૂઆતના અહેવાલમાં પાયલટની ભૂલનો કોઈ ઉલ્લેખ નહોતો પરંતુ બે ન્યૂઝ એજન્સીઓએ પાયલટ્સને દોષી ઠેરવતા હોવાના સમાચાર બહાર પાડયા હતા.
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ અકસ્માતની પ્રાથમિક રિપોર્ટ થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવી હતી. આ રિપોર્ટ જાહેર થયા બાદ એવો દાવો કરવામાં આવ્યો કે, આ અકસ્માત પાયલટની ભૂલના કારણે થયો હતો. નોંધનીય છે કે, આ બાબતને લઈને ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સે રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. હવે આ જ રિપોર્ટને લઈને ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સે (FIP) કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
માફીની માંગ કરી
મીડિયા રિપોર્ટસ થકી જાણવા મળ્યું છે કે, FIP એ બંને ન્યૂઝ એજન્સી પાસેથી સત્તાવાર માફીની માંગ કરી છે. આ કાર્યવાહીની પુષ્ટિ કરતાં ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સ (FIP)ના અધ્યક્ષ સી.એસ. રંધાવાએ જણાવ્યું કે, FIP એ કાનૂની રીતે કાર્યવાહી શરૂ કરી છે અને WSJ અને રોઇટર્સને તેમની રિપોર્ટને લઈને નોટિસ મોકલી છે તેમજ માફી માંગવા માટે કહ્યું છે.
ફેડરેશન ઑફ ઇન્ડિયન પાયલટ્સે (FIP) જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ રિપોર્ટમાં પાયલટની ભૂલનો કોઈ ઉલ્લેખ નથી, જ્યારે આ સમાચાર સંગઠનોએ પાયલટને દોષી ઠેરવતા અહેવાલો પબ્લિશ કર્યા છે. FIP એ માફી અને સુધારો કરવાની માંગ કરી છે. ઘણી પાયલટ સંસ્થાઓએ આવા અહેવાલ પર ચિંતા વ્યક્ત કરી છે.
રેકોર્ડિંગમાં શું સંભળાયું?
અકસ્માત થવાને ઠીક પહેલા વિમાનના કોકપીટમાં બંને ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગયા હતા. કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટને પૂછતા સંભળાયું કે ફ્યુઅલ કેમ બંધ કર્યું, તો બીજા પાયલટે જવાબ આપ્યો કે, “મેં તો નથી કર્યું”.
રિપોર્ટમાં એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે, સ્વિચ કોણે બંધ કરી તેમજ ન તો કોઈને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમ છતાં, વોલ સ્ટ્રીટ જર્નલે “અમેરિકન અધિકારીઓના નજીકના સ્ત્રોતો”ના હવાલે દાવો કર્યો કે કેપ્ટને ફ્યુઅલ સ્વિચ બંધ કરી. રોઇટર્સે પણ આવી જ રિપોર્ટ છાપી, જેમાં કેપ્ટનને દોષી ગણાવવામાં આવ્યો.
અમે કાર્યવાહી કરીશું: સીએસ રંધાવા
કાનૂની નોટિસમાં બંને એજન્સીઓ પાસેથી સંપૂર્ણ માફી અને સુધારાની માંગ કરવામાં આવી છે. FIPના ચેરમેન કેપ્ટન સીએસ રંધાવાએ કહ્યું, “રિપોર્ટમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે પાઇલટની ભૂલને કારણે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બંધ થઈ ગઈ હતી. તેમણે રિપોર્ટ યોગ્ય રીતે વાંચ્યો નથી અને અમે કાર્યવાહી કરીશું.”